ભગત‌સ‌િંહનો જાન લેવાની બ્ર‌િટ‌િશ સાજ‌િશનું સસ્પેન્સ ૮પ વર્ષે ખૂલે છે

પાકિસ્તાનની લાહોર હાઇ કોર્ટમાં એક નાટકીય અદાલતી ખટલો કેટલાક મહિનાઓથી ચાલી રહ્યો છે. લાંબી મુદત બાદ હમણાં ફરી તેના પર કાર્યવાહી શરૂ થઇ છે. કેસ નાટકીય એટલા માટે છે કે જેની સામે મંડાયો છે તે આરોપીની અદાલતમાં ક્યારેય હાજરી હોતી નથી. (આરોપીનું નામ : બ્રિટિશહિંદ સરકાર). કેસ જેને માટે લડાઇ રહ્યો છે તે વ્યક્તિ પણ અદાલતમાં ઉપસ્થિત રહેતી નથી. (વ્યક્તિનું નામ : ભગતસિંહ). આમ છતાં ઇમ્તિઆઝ રશીદ કુરેશી નામના બુઝુર્ગ પાકિસ્તાની વકીલ લાહોર કોર્ટમાં ભગતસિંહ મેમોરિઅલ ફાઉન્ડેશન વતી કેસ લડી રહ્યા છે. આ ફાઉન્ડેશને (૧૯૨૯ના અરસાની) બ્રિટિશહિંદ સરકાર સામે આરોપ મૂક્યો છે કે ભગતસિંહ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવાના પૂરતા તેમજ નક્કર પુરાવા ન હોવા છતાં તત્કાલીન સરકારે એ ક્રાંતિકારીને ફાંસીની સજા ફરમાવી દીધી હતી. આ સરાસર ગેરકાનૂની પગલું હતું, જે ભરવા બદલ  બ્રિટિશહિંદ સરકાર વતી વર્તમાન રાણી એલિઝાબેથે પાકિસ્તાનના તેમજ ભારતના લોકોની માફી માગવી જોઇએ. ભારતમાં વસતા ભગતસિંહના પરિવારને વળતરરૂપે અમુક રકમ પણ આપવી જોઇએ.

માર્ચ ૨૩, ૧૯૩૧ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની ક્રાંતિકારી ત્રિપૂટીએ લાહોરની જેલમાં ફાંસીનો ગાળિયો પહેરીને શહાદત વહોરી લીધી એ બનાવને આજે ૮૫ વર્ષ થયાં. હવે આટલાં વર્ષે ભગતસિંહનો કેસ લાહોરની અદાલતમાં ખૂલે અને ભગતસિંહ મેમોરિઅલ ફાઉન્ડેશન બ્રિટનની રાણી પાસે ‘સોરી !’ કહેવડાવવાનો આગ્રહ રાખે એ જરા અજુગતું લાગે, પણ આવી ક્ષમાયાચના બહુ આમ વાત છે. કેટલાંક વર્ષ પહેલાં જર્મનીના ચાન્સેલર પડોશી દેશ પોલેન્ડની મુલાકાતે ગયા ત્યારે એ દેશ પર બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન હિટલરે ગુજારેલા અત્યાચારો બદલ પોલેન્ડની પ્રજાની તેમણે જાહેરમાં માફી માગી હતી. આ બનાવના કેટલાક અરસા બાદ જાપાનના વડા પ્રધાને ચીનના પ્રવાસ દરમ્યાન પોતાના ભૂતકાલીન દુષ્કૃત્યો માટે ખેદ વ્યક્ત કર્યો હતો. (બીજા વિશ્વવિગ્રહ વખતે જાપાની લશ્કરે ચીનની પ્રજાનો સામૂહિક ખુરદો કાઢ્યો હતો અને તલવાર વડે અનેકનાં માથાં વાઢી નાખ્યાં હતાં. આ બનાવને દાયકાઓ વીતી ગયા, છતાં જાપાને પોતાની ભૂલ અંગે પસ્તાવો જાહેર ન કર્યો ત્યાં સુધી ચીને તેની સાથે રાજકીય સંબંધો સ્થાપ્યા નહિ). એ જ રીતે વીસમી સદીના આરંભે કોરિયા પર દમન કર્યા બદલ જાપાનના રાજકુમારે તેને કહેવું પડેલું કે ભૂતકાળમાં જે બન્યું તે બદલ અમે દિલગીર છીએ.


ઉપરોક્ત દાખલા જોતાં ભગતસિંહ મેમોરિઅલ ફાઉન્ડેશન બ્રિટિશ રાણી એલિઝાબેથ પાસે ‘સોરી!’ની અપેક્ષા રાખે તેમાં કંઇ ખોટું નથી. માગણી સકારણ છે--અને કારણ પાછું લોજિકલ છે. નવેમ્બર, ૨૦૧૫માં ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશને લાહોરના ઉચ્ચ ન્યાયાલયમાં ભગતસિંહની નિર્દોષતા અંગેનો કેસ દાખલ કર્યો ત્યાર પછીની કાનૂની જાંચપડતાલમાં લાહોર પુલીસને એ FIR/ First Information Report હાથ લાગી છે જેના આધારે બ્રિટિશહિંદની તત્કાલીન સરકારે ભગતસિંહને મોતની સજા ફરમાવી હતી. લાહોરના અનારકલી પુલીસ સ્ટેશનમાં દર્જ થયેલી અને ઊર્દૂમાં લખાયેલી FIR ની તારીખ ડિસેમ્બર ૧૭, ૧૯૨૯ની છે. સમય સાંજનો ૪:૩૦નો છે. FIR માં લખ્યા મુજબ ‘બે અજાણ્યા શખ્સોએ’ લાહોરના આસિસ્ટન્ટ પુલીસ સુપ્રિન્ટેન્ડન્ટ જે. પી. સાઉન્ડર્સ પર ગોળીબાર કર્યો હતો. ‘બે અજાણ્યા શખ્સ’ એટલે કોણ તેનો ફોડ તત્કાલીન લાહોર પુલીસે તેની FIR માં પાડ્યો નથી. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવનો તો નામોલ્લેખ સુદ્ધાં નથી. તો પછી એ ત્રિપૂટીની ધરપકડ બ્રિટિશહિંદની સરકારે શેના આધારે કરી ? કાનૂની કાર્યવાહી FIR માં લખેલી માહિતીના આધારે ચાલે, જ્યારે અહીં તો FIR માં કોઇ ઠોસ માહિતી જ નથી. તત્કાલીન ગોરી સરકારે છતાં પણ ત્રણેય ક્રાંતિવીરો સામે અદાલતી કેસ ચલાવી તેમને મૃત્યુદંડની સજા ફરમાવી દીધી. બસ, એ જ મુદ્દે લાહોર હાઇકોર્ટના વકીલ ઇમ્તિઆઝ રશીદ કુરેશી અને ભગતસિંહ મેમોરિઅલ ફાઉન્ડેશનના સંચાલકો બ્રિટિશ સરકારની સામે પડ્યા છે. હવે તેમની એ લડતમાં સુખદેવનાં, રાજગુરુનાં તેમજ ભગતસિંહનાં ભારતવાસી પરિવારજનો પણ જોડાયાં છે, માટે લડતમાં જરા ગરમી આવી છે. લડતનો સુખદ આડફાયદો એ કે લાહોર ખાતે ૮૫ વર્ષથી ગુપ્ત પડેલી ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ કેસની ૧૬૪ સરકારી ફાઇલો પહેલી વાર દિવસનો પ્રકાશ જોવા પામી છે. પરિણામે હજી કેટલાંક સ્ફોટક સત્યો બહાર આવે તેમ છે.

દુનિયાના અનેક દેશોને વર્ષો સુધી ગુલામીના સકંજામાં જકડી રાખનાર બ્રિટને પોતાનાં દુષ્કૃત્યો બદલ એકેય દેશની આજ દિન સુધી માફી માગી નથી. હવે રહી રહીને તે વાલિયામાંથી વાલ્મિકી થાય એ આશા વધુ પડતી છે. આમ છતાં લાહોરના ન્યાયાલયમાં ઇમ્તિઆઝ રશીદ કુરેશીની લડત ચાલુ રહે એ સારું છે. ઇતિહાસનું તે બહાને ફેરમૂલ્યાંકન થઇ રહ્યું છે.

Comments

  1. Sanjay P. PanchasaraApril 3, 2016 at 12:40 PM

    અત્યારના પત્રકારો એ આ લેખ ખાસ વાંચવો જોઈએ .

    ReplyDelete
  2. khub j saras article...apno blog kharekhar mahitino bhandar che..khub j saras blog.

    ReplyDelete
  3. Superb work of journalism sir...
    Hope, so called queen will say Sorry.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya