Tuesday, March 7, 2017

વિજ્ઞાન અને રાજકારણ : નોખાં રહે તો સફળતા, નહિતર સૂરસૂરિયું

ઇસરોના કાબેલ વિજ્ઞાનીઓએ તથા ટેક્નિશિઅનોએ ગયા મહિને PSLVની એક જ છલાંગે સામટા ૧૦૪ ઉપગ્રહોને અંતરિક્ષમાં નિયત ભ્રમણકક્ષામાં પહોંચાડી આપ્યા એ ખુમારીપ્રેરક અને ખુશાલીજનક પ્રસંગની ઉજવણી ‘સફારી’ની ટીમે કાર્યાલયમાં પેંડા પાર્ટી વડે કરી. એક કે બાદ એક પેંડાને ‘ન્યાય’ આપી રહેલા ટીમસભ્યો વચ્ચે ઇસરો અને તેની સિદ્ધિઓ વિશે જે ચર્ચા ચાલી તેમાં એક સરસ મુદ્દો અનાયાસે નીકળ્યો ઃ વિજ્ઞાન-ટેક્નોલોજિનાં આપણાં અન્ય સરકારી એકમો કેમ ઇસરો જેટલા કાર્યક્ષમ નથી ? મસ્ત સવાલ છે. થોડાક બેકગ્રાઉન્ડ સાથે તેનો ખુલાસો વાંચો--

આજથી ૬૦ વર્ષ પહેલાં જગતનો સૌપ્રથમ ઉપગ્રહ ‘સ્પુતનિક’ રશિયાએ ચડાવ્યો હતો. આ ઉપગ્રહ માટે જરૂરી એવું રોકેટ સર્ગેઇ કોરોલ્યેવ નામના રશિયન ઇજનેરનું દિમાગી ફરજંદ હતું. રોકેટનો આઇડિઆ જગતને આપનાર કોન્સ્તેન્તિન ત્સિઓલ્કોવ્સ્કી નામનો ભેજાબાજ પણ રશિયન હતો. રાઇટ બ્રધર્સનું પહેલું પ્લેન હજી આકાર નહોતું પામ્યું ત્યારે કોન્સ્તેન્તિને ૧૮૯૫માં સૂચવ્યું હતું કે વધુ સ્પીડ માટે રોકેટને ત્રણ-ચાર તબક્કામાં વહેંચી દેવું જોઇએ. પહેલું કમ્પ્યૂટર અમેરિકાએ ૧૯૪૫ બનાવ્યું એ જાણીતી વાત છે. પરંતુ કમ્પ્યૂટર બનાવવામાં રશિયનો પાછળ નહોતા. ૧૯૫૦માં તેમણે 'Large Electronic Computing Machine' નામનું પાવરફુલ કમ્પ્યૂટર બનાવી દીધું હતું. ભૌતિકસિદ્ધાંતો વડે લેસર કિરણોના આઇડિઆનો પાયો જેણે નાખ્યો અને તે બદલ ૧૯૬૪નું નોબલ પારિતોષિક મેળવ્યું તે એલેક્ઝાન્ડર પ્રોખોરોવ રશિયન હતો. જગતનું સૌપ્રથમ સફળ હેલિકોપ્ટર ઇગોર સિકોર્સ્કી નામના રૂસી ભેજાબાજના હાથે બન્યું, તો અંતરિક્ષમાં માનવજાત વતી પહેલી હાજરી પૂરાવનાર અવકાશયાત્રી યુરી ગગારિન પણ રશિયન !

જુઅો, અમે અાઆગળ નીકળી ગયા ! સોવિયેત રશિયાના / USSRના
સ્પેસ પ્રોગ્રામની સફળતા ચમકાવતું ૧૯પ૮ના અરસાનું રૂસી પોસ્ટર
જુઓ કે જગતને રશિયાએ ઉપગ્રહ, રોકેટ, લેસર, કમ્પ્યૂટર વગેરે જેવી પાયાની મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધો આપી છે. આમ છતાં આજે તેમાંની એકેય શોધ ખુદ રશિયા માટે ખણખણિયા વરસાવી દેતા વિશાળ ઔદ્યોગિક એકમોમાં પરિણમી નથી. દા.ત. રશિયન બનાવટનું કમ્પ્યૂટર ક્યાંય જોયું? કે પછી કોઇ મોટા ગજાની લેસર ઉત્પાદક રૂસી કંપની વિશે જાણો છો ? સ્પેસ ટેક્નોલોજિમાં પણ રશિયા કરતાં નાસા અને ઇસરો આગળ છે. એક સમયે વિજ્ઞાન-ટેક્નોલોજિના ક્ષેત્રે અગ્રેસર રહેલું રશિયા આજે કેમ પાછળ રહી ગયું ? કદાચ એટલા માટે કે રશિયાનાં ઘણાંખરાં વૈજ્ઞાનિક સંશોધનો તત્કાલીન સરકારોના રાજકીય દબાણ હેઠળ થયાં હતાં. અમેરિકાથી બે ડગલાં આગળ રહેવાનો સોવિયેત રશિયાના શાસકોનો ભયંકર હઠાગ્રહ હતો. પરિણામે અવનવા શોધ-સંશોધનનું મોતી વીંધી સોવિયેત સંઘનો ડંકો વગાડવા માટે તેઓ રૂસી વિજ્ઞાનીઓ પર ટોર્ચરની હદે દબાણ કરતા હતા. જેમ કે રશિયન અણુપ્રોગ્રામના પિતામહ આન્દ્રેઇ સખારોવ પર રિસર્ચકાર્ય એટલી હદે ઠોકી બેસાડાયું કે દિવસોના દિવસો સુધી તેને બંધ લેબોરેટરીમાં ‘નજરકેદ’ રખાયો હતો. સખારોવે વર્ષો પછી ડાયરીમાં નોંધ્યું તેમ, ‘લેબોરેટરીની નાની અમસ્તી બારીમાંથી હું રોજ સવારે સશસ્ત્ર સોવિયેત ચોકિયાતોને કૂચ કરતા જોતો હતો. લેબોરેટરીની આસપાસ તેમનો કાયમ ચોકીપહેરો રહેતો.’ સોવિયેત સ્પેસ પ્રોગ્રામના સૂત્રધાર સર્ગેઇ કોરોલ્યેવ પર સ્તાલિન વિરુદ્ધ કાવતરાં રચવાનો આરોપ મૂકી તેને સાઇબિરિયાની જેલમાં ધકેલી દેવામાં આવ્યો, જ્યાંના નર્કાગાર વાતાવરણમાં તેની પાસે ૬ વર્ષ રોકેટવિજ્ઞાન અંગે સંશોધનકાર્ય કરાવવામાં આવ્યું. યુદ્ધકાળમાં સ્તાલિનને મિસાઇલ બનાવવાની આવશ્યકતા જણાતા કોરોલ્યેવને તેણે સજામાફી આપી. મિસાઇલ બનાવવાના પ્રોગ્રામમાં ત્યાર બાદ તેને બળજબરીપૂર્વક જોતરી દેવામાં આવ્યો. વિમાનવિદ્યાના ખુરાંટ ઇજનેર આન્દ્રેઇ તુપલોવને પણ વર્ષો સુધી બંદીવાન બનાવીને તેની પાસે વિમાનો બનાવવા અંગેનું રિસર્ચ કરાવવામાં આવ્યું હતું. ઇગોર સિકોર્સ્કી પર તો સોવિયેત સરકારે એટલો બધો માનસિક ત્રાસ ગુજાર્યો કે કંટાળીને તે દેશ છોડી અમેરિકા વસી ગયો.

સોવિયેત રશિયાના લોખંડી પડદા ઓથે આવું બધું ચાલ્યું એ દરમ્યાન અમેરિકાએ શું કર્યું ? વોશિંગ્ટન સરકારે વિજ્ઞાનીઓને, ઇજનેરોને તેમજ સંશોધકોને પોતપોતાનું કામ કરવા માટે છૂટો દોર આપી દીધો. અવનવાં શોધ-સંશોધનો માટે સરકારે ન તેમના પર રાજકીય દબાણ કર્યું કે ન તેમના કાર્યમાં દખલગીરી કરી. અમેરિકાના બુદ્ધિધનને મુક્ત વાતાવરણ મળતાં કલ્પનાશક્તિને તેમજ વિચારશક્તિને પાંખો ફૂટી. આજે તેનું પરિણામ નજર સામે છે. સ્પેસ ટેક્નોલોજિથી (કે જેનો પાયો રશિયાએ નાખ્યો) માંડીને લેસર કિરણો (કે જેનો પણ પાયો રશિયાએ નાખ્યો) સુધી અમેરિકાએ વિશ્વબજારને સર કર્યું છે. ટૂંક સાર ઃ વિજ્ઞાન અને રાજકારણ તેલ-પાણી જેમ નોખા રહેવા જોઇએ. બેયને ભેગા કરવા જતાં ટ્રેજિક પરિણામો આવે છે. ઇસરોમાં આપણા રાજકર્તાઓનો બિલકુલ હસ્તક્ષેપ નથી--અને માટે જ ઇસરો આજે ઇસરો છે.

Saturday, December 3, 2016

સ‌િઅાચેન : જગતના સૌથી ઊંચા યુદ્ધક્ષ્‍ાેત્રની મુલાકાત (૧ વર્ષના પર‌િશ્રમ બાદ) અાખરે સંપન્‍ન !

તારીખ નવેમ્બર ૧૧, ૨૦૧૫ અને દિવસ દિવાળીનો હતો. લદ્દાખના પ્રવાસે ગયેલી ‘સફારી’ની ટીમ એ દિવસે જગતની સૌથી ઊંચાઇએ આવેલી યુદ્ધભૂમિ સિઆચેનના લશ્કરી બેઝ કેમ્પ પહોંચી હતી. મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ તો જાણે સિઆચેનમાં આપણા નરબંકા જવાનો શી કામગીરી બજાવે છે તેની જાણકારી મેળવી ‘સફારી’ના વાચકોને તે અંગે માહિતગાર કરવાનો હતો. પરંતુ તે ઉપરાંત વધુ એક ઉદ્દેશ હતો: સિઆચેનની અજાણી, અલિપ્ત દુનિયામાં રહેતા ખુશ્કીદળના જવાનો સાથે દિવાળી મનાવી મીઠાઇ વડે તેમનું મોં મીઠું કરાવવાનો ! આ ઉદ્દેશ બર લાવવા માટે ‘સફારી’ની ટીમે પોતાની સાથે ૧૦ કિલોગ્રામ મીઠાઇ રાખી હતી. (જુઓ, ‘સફારી’ અંક નં. ૨૫૯; ડિસેમ્બર, ૨૦૧૫). બેઝ કેમ્પની મુલાકાત દરમ્યાન એક લશ્કરી અફસર જોડે લાંબા વાર્તાલાપમાં મને જાણવા મળ્યું કે દર વર્ષે ભારતીય ખુશ્કીદળ કુલ ૪૦ નાગરિકોને સિઆચેનના ઉત્તુંગ પહાડોમાં આવેલી આપણી લશ્કરી ચોકીઓની મુલાકાતે લઇ જાય છે. ‘સિઆચેન સિવિલિઅન ટ્રેક’ કહેવાતો એ પ્રવાસ સપ્ટેમ્બર માસમાં યોજાતો હોય છે અને તેમાં પસંદગી વહેલો તે પહેલોના ધોરણે કરવામાં આવે છે.

આ તો લાખો મેં એક જેવો અવસર ! ‘સિઆચેન સિવિલિયન ટ્રેક’માં જોડાવાનો નિર્ણય મેં તત્કાળ લઇ લીધો. નિર્ણય પાછળનો હેતુ હિમાલયના પહાડોમાં દિવસરાત ફરજ બજાવતા આપણા હિમપ્રહરીઓની કામગીરી નજીકથી જોવાનો, શૂન્ય નીચે ૨૫થી ૪૦ અંશ સેલ્શિઅસના વિષમ હવામાનમાં તેમણે વેઠવી પડતી વિવિધ શારીરિક તકલીફોથી માહિતગાર થવાનો, સિઆચેનની રોજિંદી કામગીરી જાણવાનો અને પછી એ તમામ અજાણ્યાં પાસાંને સચિત્ર વર્ણવતું પુસ્તક વાચકો સમક્ષ મૂકવાનો હતો. આમ કરવું જો કે સહેલું ન હતું. બલકે એમ કહો કે અત્યંત (ફરી વાંચો, અત્યંત) કસોટીભર્યું હતું. સિઆચેનના ઉત્તુંગ પહાડોનું આરોહણ કરવું, ત્યાંનું મર્યાદિત ઓક્સિજનવાળું વિષમ વાતાવરણ સહેવું અને કડકડતી ઠંડી વેઠવી એ જેવાતેવાનું તો કામ જ નહિ. શરીરની તેમજ મનની ડગલે ને પગલે આકરી પરીક્ષા લેવાય, જેમાં દર પળે ઉત્તિર્ણ થવું જ રહ્યું. આમાં મુખ્ય તો બે મોટા પડકારો હતા. પહેલો પડકાર સિઆચેનની શૂન્ય નીચે ૨૫થી ૪૦ અંશ સેલ્શિઅસની ઠંડી સહેવાનો, તો બીજી ચેલેન્જ સમુદ્રસપાટીથી સરેરાશ ૧૮,૦૦૦ ફીટ ઊંચા પર્વત પર આરોહણ કરવાની તેમજ એટલે ઊંચેની પાતળી, ઠંડી, ઓક્સિજનના મર્યાદિત પુરવઠાવાળી હવામાં શરીરના સ્વાસ્થ્યને ટકાવી રાખવાની હતી. આ બેઉ સાથે બાથ ભીડવાની તૈયારી હોય તો જ સિઆચેન જઇ શકાય. બાકી તો વિચાર સુધ્ધાં કરાય નહિ.
સિઆચેન : લદ્દાખી ભાષામાં સિઆનો અર્થ ગુલાબ અને ચેનનો મતલબ સ્થળ થાય છે. 
જો કે સિઆચેનના વિષમ પ્રાકૃતિક સંજોગો જોતાં ‘ગુલાબ’ શબ્દ ભ્રામક લાગે ! (તસવીર : હર્ષલ પુષ્‍કર્ણા)
બેઉ પડકારો ઝીલવાનું મેં મક્કમ મને નક્કી કરી લીધું. જો કે સિઆચેનના પ્રવાસ પૂર્વે બેઉ પડકારોનો આગોતરો મહાવરો લેવાનું જરૂરી લાગ્યું, એટલે જાન્યુઆરી, ૨૦૧૬માં ભર શિયાળે મેં લદ્દાખની મુલાકાત લીધી. શૂન્ય નીચે ૩૦૦ સેલ્શિઅસે થીજીને બર્ફીલી ચાદરમાં ફેરવાઇ ગયેલી ઝંસ્કાર નામની નદી પર ૯૫ કિલોમીટર લાંબો પગપાળા પ્રવાસ કર્યો. (જુઓ, ‘સફારી’ અંક નં. ૨૬૨; માર્ચ, ૨૦૧૬). ચાદર ટ્રેક કહેવાતા એ છ દિવસના ચેલેન્જિંગ પ્રવાસ દરમ્યાન માઇનસ ૨૯ અંશ સેલ્શિઅસ સુધીની હાડ ગાળી નાખતી ઠંડી સહેવાનો મહાવરો મળી ગયો. બીજો પડકાર સિઆચેનના ઊંચા પર્વત પર આરોહણનો હતો, જેનો મહાવરો લેવા માટે જૂન, ૨૦૧૬માં મેં લદ્દાખની ફરી મુલાકાત લીધી અને સ્તોક કાંગડી નામના ૨૦,૧૮૭ ફીટ ઊંચા બર્ફીલા શિખરને સફળતાપૂર્વક સર કર્યું. (જુઓ, ‘સફારી’ અંક નં. ૨૬૭; ઓગસ્ટ, ૨૦૧૬). બેઉ કસોટીઓ સફળતાપૂર્વક પાર કર્યાની ખાતરી થતાં છેવટે ‘સિઆચેન સિવિલિઅન ટ્રેક’ માટે અરજી મોકલી. નસીબજોગે તેમાં નંબર લાગ્યો નહિ. (ઘણા વખત પછી જાણવા મળ્યું કે ઊંચા પદના રાજકીય આગેવાનની ઓળખાણ હોય તો ‘સિઆચેન સિવિલિઅન ટ્રેક’માં નંબર લાગવાની સંભાવના વધી જાય છે). દુર્ભાગ્યની વાત હતી, પણ તેને સ્વીકાર્યે જ છૂટકો! સિઆચેનની મુલાકાત આડેનો દરવાજો બંધ થયો. હવે તેના પર ટકોરા મારવાનો મતલબ ન હતો.

વાંધો નહિ ! એક દરવાજો બંધ થયો તો ભલે થયો. બીજો ખખડાવી જોવામાં વાંધો ખરો ? મેં એમ જ કર્યું. ખુશ્કીદળના નવી દિલ્લી ખાતેના મુખ્યાલયને વિસ્તૃત પત્ર લખ્યો. સિઆચેનની મુલાકાતે જવા પાછળનો મારો ઉમદા હેતુ તેમાં સ્પષ્ટ કર્યો, જે સાફ હતો : સિઆચેન ક્ષેત્રની રૂબરૂ મુલાકાત લેવી, ત્યાં સ્થિત જવાનો/અફસરોના ઇન્ટરવ્યૂ લેવા, સિઆચેનમાં ચાલતી દૈનિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવો, સિઆચેનનું લશ્કરી મહત્ત્વ સમજવું અને પછી આવાં તમામ પાસાં દળદાર પુસ્તકરૂપે રજૂ કરવાં !

ખુશ્કીદળના મુખ્યાલયે મારા વિનંતીપત્રનો જવાબ આપવામાં સારો એવો વિલંબ કરી નાખ્યો. આખરે જવાબ આવ્યો, પણ નનૈયાનો ! હતોત્સાહ થવાયું, પણ નાસીપાસ નહિ. નનૈયાના પ્રત્યુત્તરમાં મેં તાર્કિક દલીલો કરી અને વિનંતીપત્ર પર પુનર્વિચાર કરવા માટે ભારપૂર્વક સૂચન કર્યું. ફોન, ઇ-મેલ તેમજ ટપાલો મારફત સંદેશાવ્યવહાર બહુ લાંબો ચાલ્યો. આખરે સપ્ટેમ્બર ૧૪, ૨૦૧૬ના રોજ દિલ્લીના હેડક્વાર્ર્ટ્સે મને ઇન્ટરવ્યૂ માટે દિલ્લી તેડાવ્યો. રાષ્ટ્રપતિ ભવન નજીક આવેલા સાઉથ બ્લોક કહેવાતા ભવ્ય મકાને હું ૧૫મી સપ્ટેમ્બરે પહોંચ્યો. નિશ્ચિત કાર્યાલયે ગયો, જ્યાં મેજરની તેમજ કર્નલની કક્ષાના કેટલાક ખુશ્કી અફસરોએ મારો ઇન્ટરવ્યૂ શરૂ કર્યો. ‘સિઆચેન વિશે શું જાણો છો ? ત્યાંના જોખમો વિશે તેમજ વિષમ વાતાવરણ અંગે માહિતગાર છો ? આ પ્રદેશ અતિશય જોખમી છે, ડગલેને પગલે મુસીબતોનો પાર નથી, જાનનું જોખમ રહેલું છે અને છતાં તમે ત્યાં રૂબરૂ જવા માગો છો ? કોઇ ખાસ કારણ છે તમારી પાસે ?’ વગેરે જેવા સવાલોની રીતસર ઝડી વરસી. દરેકનો મેં સહેજ પણ ચલિત થયા વિના જવાબ આપ્યો, કેમ કે સિઆચેન જવા મળે કે કેમ તેનો ફેંસલો મારા જવાબોના આધારે થવાનો છે તે હું જાણતો હતો. પ્રશ્નોત્તરી લાંબી ચાલી. મારા વિનંતીપત્રને મંજૂર (કે પછી રદ) કરવાની સત્તા કર્નલ કક્ષાના જે સીનિઅર અફસરના હાથમાં હતી તેમણે આખરી સવાલ કર્યો, ‘મિસ્ટર પુષ્કર્ણા, માની લો કે અમારી ઓફિસ તમારી અરજીને નામંજૂર કરી નાખે છે... તો એ કેસમાં તમે શું કરશો ?’

‘તો હું આપના ઉપરી અફસરને તેમના કાર્યાલયે મળવા જઇશ !’ ઘડીભરનોય વિચાર કર્યા વિના મેં જવાબ દીધો. મારો આવો તડ ને ફડ જવાબ સાંભળી કર્નલના ચહેરાના હાવભાવ તરત બદલાયા. કઠણ ફૌજી મિજાજ પીગળ્યો અને ચહેરા પર હળવા સ્મિત સાથે તેઓ બોલ્યા, ‘મિ. પુષ્કર્ણા, તમારા ટુ-ધ-પોઇન્ટ જવાબોએ અમારા સૌનું દિલ જીતી લીધું છે. સિઆચેનનાં તમામ જોખમો જાણવા છતાં ત્યાંની મુલાકાતે જવાની અને તેય પગપાળા ચાલીને જવાની આટલી બધી તત્પરતા અને તૈયારી મેં આજ દિન સુધી કોઇ પત્રકારમાં જોઇ નથી. તમારા વિનંતીપત્રને હું સ્વીકારું છું અને મારા ઉપરી કાર્યાલયને (ઉધમપુર, જમ્મુ) મોકલી આપું છું. હવે એ કાર્યાલય જે નિર્ણય લે તે ખરો !’

‘નો પ્રોબ્લેમ, સર !’ મેં કહ્યું. ‘હું રાહ જોઇશ. જરૂર પડ્યે ઉધમપુર જવા પણ તૈયાર છું.’

ફરી પાછો લાંબો ઇન્ટરવલ પડ્યો. ફાઇનલ જવાબ ક્યારે આવશે, તે ‘હા’ હશે કે પછી ‘ના’, ઊંચા શિખરોમાં ચોકીપહેરો કરતા આપણા હિમપ્રહરીઓને મળવાનો મોકો સાંપડશે કે કેમ... વગેરે જેવા અનેક સવાલો રોજેરોજ મનમાં ઉઠતા હતા અને ઉચાટ તેમજ ઉત્કંઠાને સતત વધાર્યે જતા હતા. આખરે નવેમ્બર ૪, ૨૦૧૬ના રોજ સસ્પેન્સનો અંત આવ્યો. દિલ્લીના સંરક્ષણ ખાતામાંથી એ દિવસે મંજૂરીપત્રનો ફેક્સ મળ્યો, જે મુજબ સિઆચેન ક્ષેત્રની મુલાકાત લેવાની મને પરવાનગી મળી હતી.
સ‌િઅાચેનના ઉત્તુંગ પર્વતોની લશ્કરી ચોકીઅોના પહેરેગીર જવાનો (તસવીર : હર્ષલ પુષ્‍કર્ણા)
પાંચમી નવેમ્બરની વહેલી સવારે હું લેહના લશ્કરી મુખ્યાલયે પહોંચ્યો. સિઆચેન પ્રયાણ કરતા પહેલાં (સમુદ્રસપાટીથી ૧૧,૫૦૦ ફીટ ઊંચે વસેલા) લેહના વાતાવરણ જોડે અનુકૂલન સાધવું જરૂરી હતું, એટલે લશ્કરી અસફરોએ આપેલી સૂચના મુજબ કુલ ચાર દિવસ લેહમાં વીતાવ્યા અને પછી પાંચમા દિવસે સિઆચેનનો રસ્તો પકડ્યો. બરાબર એક વર્ષ પૂર્વે નવેમ્બર, ૨૦૧૫માં સિઆચેન બેઝ કેમ્પ ખાતે લીધેલો સંકલ્પ આખરે નવેમ્બર, ૨૦૧૬માં પૂરો થયો. દુનિયાથી અલિપ્ત એવી સિઆચેન ક્ષેત્રની દુનિયાના શીતાગારમાં મેં કુલ પાંચ દિવસ વીતાવ્યા, જે દરમ્યાન ખુશ્કીદળના જવાનોના, અફસરોના, લશ્કરી તબીબોના, સિઆચેનના વિષમ વાતાવરણનો ભોગ બનેલા દરદીઓના, ઉત્તુંગ શિખરોમાં માલસામાનની હેરફેર કરી આપતા લદ્દાખી પોર્ટરોના, શિખરોમાં આવેલી આપણી ચોકીઓમાં સ્થિત જવાનોના ઇન્ટરવ્યૂ કરી તેમના મોઢે સાવ અજાણી બાબતોથી માહિતગાર થવાનો મોકો સાંપડ્યો.


આ એડવેન્ચર ટ્રિપ દરમ્યાન કેવા કેવા અનુભવો થયા, જવાનોના તથા અફસરોના મોઢે શી માહિતી મળી, સિઆચેનની હોસ્પિટલમાં સારવાર લેતા દરદીઓની આપવીતી શી હતી, રસોઇયાઓથી માંડીને હેલિકોપ્ટર પાઇલટ સુધીના તમામ લોકો અહીં શી કામગીરી બજાવે છે અને તે કામગીરીમાં કેટકેટલી કસોટીઓ છે વગેરે અંગેની જાણકારી તથા તસવીરો એટલી થોકબંધ છે કે તેને લેખમાં સમાવી શકાય તેમ નથી. ‘સફારી’નો આખો અંક સુધ્ધાં ઓછો પડે. વિષય દળદાર પુસ્તકનો છે, જે ટૂંક સમયમાં (કુલ ચાર ભાષાઓમાં) આવી રહ્યું છે. બસ, થોડી રાહ જુઓ.

Monday, November 21, 2016

Made in China: ભારતના અર્થતંત્રને પાયમાલ કરતા ચીની માલથી છૂટકારો કેમ મેળવવો ?

લદ્દાખમાં તેમજ અરુણાચલ પ્રદેશમાં વારંવાર લશ્કરી ઘૂસણખોરી કરતા, પોતાની રાજકીય વગના જોરે ન્યૂક્લિઅર સપ્લાયર્સ ગ્રૂપમાં ભારતને ધરાર સ્થાન મેળવવા ન દેતા, પાકપ્રેરિત આતંકવાદ સામે ભારતના વિરોધની આંતરરાષ્ટ્રીય લેવલે ઠાવકા, રાજકીય શબ્દોમાં ઝાટકણી કરતા બહારવટિયા ચીનની Made in China બ્રાન્ડની ચીજવસ્તુઓના બહિષ્કારનો જુવાળ હમણાં આપણે ત્યાં ચાલ્યો. ચીની બનાવટની રંગબેરંગી લાઇટ્સ, ફટાકડા, ગિફ્ટ આઇટમ્સ વગેરે ચીજો ન ખરીદવાની અપીલ કરતા સંદેશા સોશ્યલ મીડિઆ પર ફરતા થયા. આ પ્રયાસ નિઃસંદેહ આવકારદાયક હતો તેમ વખાણવાલાયક પણ હતો. કારણ કે તેમાં સરેરાશ ભારતીયની ખુમારી અને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત થતા હતા. પરંતુ લાઇટ્સ, ફટાકડા અને ગિફ્ટ આઇટમ્સ જેવી ચાઇનીઝ આઇટમોનો બહિષ્કાર કરીને ચીનના અર્થતંત્રમાં ગાબડું પાડવાનો આશય તે પ્રયાસમાં રહેલો હોય તો જાણી લો કે હેતુ બર આવે તેમ નથી. આવી છૂટપૂટ આઇટમોની ખરીદી સામે સદંતર ચોકડી મૂકી દીધા પછીયે ચીનના અર્થતંત્રમાં ગાબડું તો શું નાનો સરખો ગોબો સુધ્ધાં પડે તેમ નથી. કારણ તપાસવા જેવું છે.

આયાત-નિકાસ વેપારના તાજા આંકડા મુજબ આપણો દેશ ચીન પાસેથી વર્ષે ૬૧.૭ અબજ ડોલરના મૂલ્યની ચીજવસ્તુઓની આયાત કરે છે. આયાતી માલમાં મુખ્યત્વે મોબાઇલ ફોન, ટેલિવિઝન, એર કન્ડિશનર્સ, ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર્સ, સરકીટ બોર્ડ, વીજાણું ચિપ જેવી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ, કમ્પ્યૂટર અને તેનાં વિવિધ ઉપકરણો, સોલાર સેલ, ફર્ટિલાઇઝર, સંદેશાવ્યવહારનાં ઉપકરણો, મશીનરી, બોલબેરિંગ, સ્પ્રિંગ, લોખંડ અને પોલાદ, પ્લાસ્ટિક, ફર્નિચર, લાઇટ ફિક્સ્ચર્સ, સિરામિક આઇટમ્સ, કિંમતી રત્નો, ક્રૂડ ઓઇલ, ઔષધીય તત્ત્વો વગેરેનો સમાવેશ થાય છે. જુઓ કે તમામ ચીજવસ્તુઓ જે તે ઔદ્યોગિક એકમના હાર્દ/ core સમાન છે, જેમના વિના એકમનું ભાવિ ડામાડોળ બને. આની સામે આપણે ચીનને નિકાસના નામે શું વેચીએ છીએ? આ રહ્યું ટૂંકું લિસ્ટ: કાચું લોખંડ, તેલિબીયાં, મીઠું, રબ્બર, કોટન, તાંબું, વનસ્પતિ તેમજ પ્રાણીજ ચરબી, સિમેન્ટ વગેરે. આ તમામ આઇટમોનું ચીનના ખાતે ફાટતું નિકાસબિલ ફક્ત ૯.૫ અબજ ડોલર છે. આયાત અને નિકાસ વચ્ચે ચીજવસ્તુઓનો તેમજ આર્થિક મૂલ્યનો આંકડાકીય તફાવત ખાસ માર્ક કરો અને પછી વિચારો કે ચાઇનીઝ ડેકોરેટિવ લાઇટ્સનો યા ચાઇનીઝ ફટાકડાનો બહિષ્કાર કરીને ચીનના અર્થતંત્રને જરાસરખી પણ આંચ પહોંચાડી શકીએ ? સવાલ જ નથી. હાથીને કીડીનો ચટકો લાગ્યો તોય શું અને ન લાગ્યો તોય શું ? ચીનના અર્થતંત્રને ફટકો ત્યારે માર્યો ગણાય કે જ્યારે ભારતનું ૬૧.૭ અબજ ડોલરનું આયાતબિલ ધરખમ હદે ઘટી જવા પામે. આ માટે ઉપરોક્ત જે આયાતી ચીજવસ્તુઓ લખી (તેમજ બીજી અસંખ્ય જે નથી લખી) તેમનો સામૂહિક બહિષ્કાર થવો રહ્યો. હાલના સંજોગોમાં એ પાછું શક્ય જણાતું નથી, કેમ કે Made in China બ્રાન્ડની ચીજવસ્તુઓએ ભારતનાં બજારોમાં બહુ ઊંડે સુધી મૂળિયાં જમાવી દીધાં છે. દેશની પ્રજા જાણ્યે અજાણ્યે સીધી યા આડકતરી રીતે Made in China પ્રોડક્ટ્સનો રોજિંદો વપરાશ કરતી થઇ છે.

આ કડવી હકીકત છે. ગયે મહિને સોશ્યલ મીડિઆમાં ફરતા થયેલા ચીની માલના બહિષ્કારના મેસેજની જ વાત કરીએ. આ મેસેજ જેણે લખ્યો તે વ્યક્તિના કમ્પ્યૂટરનું સરકીટ બોર્ડ, રેમ, ગ્રાફિક કાર્ડ ચીનમાં બનેલું છે. ટાઇપિંગ માટેનું કી-બોર્ડ પણ ચીનમાં ઉત્પાદિત છે. ટાઇપિંગ વખતે જે મોનિટર પર તેણે નજર માંડી રાખી હતી એની LCD પેનલ ચીને બનાવી છે. લખનાર વ્યક્તિને જો દષ્ટિની ખામી હોય તો તેણે પહેરેલાં ચશ્માંની ફ્રેમ Made in China હોવાની શક્યતા ખરી ! ઇન્ટરનેટ માટે તેણે વસાવેલું મોડેમ મોટે ભાગે તો ચીની જ છે એટલું જ નહિ, પણ જે કંપની ઇન્ટરનેટની સેવા પૂરી પાડે છે તેનાંય કમ્પ્યૂટર્સ તથા પ્રસારણનાં વીજાણું ઉપકરણો ચીની બનાવટનાં હોવાનો સંભવ પૂરેપૂરો છે. સોશ્યલ મીડિઆ પર ચીની માલના બહિષ્કારવાળો મેસેજ પ્રસારિત થયા પછી દેશભરના જે કરોડો લોકોએ તેને વાંચ્યો તેમનાં કમ્પ્યૂટર કે પછી મોબાઇલ ફોન પણ સંપૂર્ણ યા આંશિક રીતે ચીનમાં બનેલાં છે. પત્યું ? ચીની આઇટમ્સના બહિષ્કારનો સવાલ જ ક્યાં રહ્યો ?

તાજેતરમાં દેશની પ્રજા દ્વારા બહિષ્કારની પહેલ થઇ એ સારી વાત છે. પરંતુ ઉપર રજૂ કરેલી વાસ્તવિકતા જોતાં નથી લાગતું કે Made in China માલનો બહિષ્કાર એકલદોકલ વ્યક્તિ ઉપરાંત ખુદ સરકારે મોટા પાયે કરવા જેવો છે ? આ માટે ઘરઆંગણે ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહન આપી ઘરેલુ ઉત્પાદન અનેકગણું વધારવું રહ્યું. ચીની માલની આયાત પર ત્યાર બાદ આપોઆપ કટૌતી આવે. વર્ષો પહેલાં અમેરિકાએ cheap labour/ સસ્તા વેતનના પ્રલોભનમાં મસોતાંથી માંડીને માઇક્રોચિપ સુધીની વસ્તુઓનું ઉત્પાદન ચીનને સોંપી દીધું. વખત જતાં યુરોપી દેશો અમેરિકાને અનુસર્યાં. આજે એ ભૂલની સજા તેઓ ભોગવી રહ્યા છે. Made in China માલ વડે ચીન સૌના અર્થતંત્રોને ફટકા મારી રહ્યું છે. આર્થિક હિતો સામે સ્વાભિમાનનો તેમજ દેશાભિમાનનો સોદો કરવાની સજા સૌએ મૂંગા મોઢે સહેવી પડે છે. ચીની બનાવટની ચીજવસ્તુઓનું આયાતબિલ ૬૧.૭ અબજ ડોલરના આંકડે પહોંચાડી દેનાર (અને આંકડાને ક્રમશઃ મોટો કરનાર) ભારતે આમાંથી બોધપાઠ લેવા જેવો છે. Make in India સૂત્રનું બહોળા વ્યાપમાં અમલીકરણ નહિ કરાય તો યુરોપ-અમેરિકાની જેમ આપણાય વેપાર-ધંધા ચીની ડ્રેગન ગળી જવાનો છે. 

Wednesday, October 5, 2016

'અોપરેશન બ્રાસટેક્સ' : પા‌ક‌િસ્‍તાનને પાસરું કરવાનું સ્વપ્ન, જે અકાળે તૂટી ગયું !

૧૯૭૧માં ભારતીય લશ્કરે પાકિસ્તાન સામે ભીષણ યુદ્ધ ખેલીને એ દેશના બે ટુકડા કર્યા ત્યારે એમ જણાતું હતું કે પૂર્વ પાકિસ્તાન (વર્તમાન બાંગલા દેશ) નામની એક પાંખ ગુમાવી દીધા પછી પાક લશ્કરી સરમુખત્યારો ચુમાઇને બેસી રહેશે. ભવિષ્યમાં ભારતને છંછેડવાની ગુસ્તાખી નહિ કરે, માટે ભારતીય ઉપખંડમાં કાયમી શાંતિ સ્થપાશે. આ ધારણા ખોટી પડી. ખરેખર તો ૧૯૭૧માં ભારતીય લશ્કરે પૂર્વ પાકિસ્તાનની માફક સિંધ પ્રાંતને પણ એ જ વખતે છૂટું પાડી દેવાની જરૂર હતી. પાંખ અને પગ વગરનું શેષ બચેલું પાકિસ્તાન ભવિષ્યમાં કદી ભારતને પડકારી શકત નહિ. પરંતુ ભારતે એ મોકો જતો કર્યો.

બીજો મોકો બરાબર ૧૫ વર્ષ પછી ૧૯૮૬માં આવ્યો કે જ્યારે આપણા આક્રમક મિજાજવાળા સેનાપતિ જનરલ કે. એસ. સુંદરજીએ શસ્ત્રો વડે સિંધનું સર્જીકલ ઓપરેશન હાથ ધરવાનું નક્કી કર્યું. સિંધ-રાજસ્થાન સરહદે તેમણે ‘ઓપરેશન બ્રાસટેક્સ’ નામની અત્યંત જંગી પાયે લશ્કરી કવાયત યોજી. સરહદ પર મોટી સંખ્યામાં ટેન્કોનો અને તોપોનો કાફલો ગોઠવાયો. કુલ ૧૩ લશ્કરી ડિવિઝનો એકઠી થઇ. (એક ડિવિઝન = ૧૫,૦૦૦થી ૧૮,૦૦૦ સેનિકો). બીજા વિશ્વયુદ્ધ પછીની એ મોટામાં મોટી લશ્કરી જમાવટ હતી, જેણે કેટલાય દેશોના લશ્કરી અફસરોને ચકરાવામાં નાખી દીધા. આ કવાયત વધુ પડતી શંકા ન જગાડે તે માટે જનરલ સુંદરજીએ જાહેર કર્યું કે, ‘ભારતનાં પાયદળ, તોપદળ અને બખ્તરિયા દળ કદી સંયુક્ત કમાન્ડ નીચે રહીને લડ્યાં નથી. વિદ્યુતવેગી આક્રમણ કરવાનો અથવા તો વિદ્યુતવેગી આક્રમણને મારી હટાવવાનો પ્રપ્રેક્ટિકલ અનુભવ પણ તેમને નથી, માટે ‘ઓપરેશન બ્રાસટેક્સ’ દ્વારા તેમને મહાવરો આપવો જરૂરી હતો.’
'અોપરેશન બ્રાસટેક્સ'ના બહાને પાક‌િસ્તાનને માસ્ટર સ્ટ્રોક મારવાનો પ્લાન ઘડનાર ખુશ્કી સેનાપત‌િ જનરલ સુંદરજી
આ સરાસર બહાનું હતું, જેની ઓથે જનરલ સુંદરજીનો સિક્રેટ પ્લાન એકાએક સરહદ ઓળંગીને પાકિસ્તાનની અંદર રોજના ૬૦ કિલોમીટરનો પેસારો કરી ત્રણ દિવસમાં મિરપુર ખાસનો તથા પાંચ દિવસમાં પાકિસ્તાન ખાતેના હૈદરાબાદનો કબજો લેવાનો હતો. આ બન્ને શહેરોને જીત્યા બાદ સિંધને તેઓ બાકીના પાકિસ્તાનથી છૂટું પાડી દેવા માગતા હતા. સિંધની પ્રપ્રજાને આમેય પાકિસ્તાનની પંજાબી અને બલુચી પ્રપ્રજા સામે અસંતોષ હતો. વર્ષોથી ત્યાં ‘જિયે સિંધ’ની ચળવળ પણ ચાલતી હતી, જેનો ઉદ્દેશ સિંધ પ્રપ્રાંતને બાંગલા દેશની જેમ અલગ રાષ્ટ્રમાં ફેરવવાનો હતો. આથી ભારતનું લશ્કરી પીઠબળ મળે તો બાંગલા દેશમાં બન્યું તેમ સિંધમાં પણ સ્થાનિક પ્રપ્રજા ઇસ્લામાબાદ સામે વિદ્રોહે ચડે અને સિંધ પ્રાંતને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કરે એવી જનરલ સુંદરજીની ગણતરી હતી. આ ગણતરીને મૂર્ત સ્વરૂપ આપવા જ તેમણે પાક સરહદે ‘ઓપરેશન બ્રાસટેક્સ’ નામની લશ્કરી કવાયત હાથ ધરી હતી.

અફસોસ કે જનરલની ગણતરી પાર ન ઉતરી. ખુશ્કી સેનાપતિ કશુંક છૂપાવતા હોવાની ગંધ તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીને પહોંચી કે તરત તેમણે બધી ડિવિઝનોને પાક સરહદેથી પાછી ખેંચી લેવાનો હુકમ આપ્યો. પત્યું ! સિંધ નામનું સફરજન ખેરવી લેવાનો ભાગ્યે જ મળે એવો ગોલ્ડન ચાન્સ હાથમાં આવીને સરી ગયો. સૈન્યમાં હતાશા ફરી વળી. જનરલ સુંદરજી તે સમયે જો પોતાનું ધાર્યું કરી શક્યા હોત તો આપણે કાશ્મીરમાં આટલો લોહિયાળ ત્રાસવાદ વેઠવાના દિવસો કદાચ આવત નહિ. કારણ કે સિંધ નામનું બાવડું ગુમાવ્યા પછી PAKISTAN શબ્દમાંથી S નાબૂદ થયાના આઘાતે પાક સત્તાધીશોના બધા અભરખા દૂર કરી દીધા હોત. સાગરકાંઠો ધરાવતું સિંધ ગુમાવ્યા પછી બાકીનું પાકિસ્તાન કફોડી સ્થિતિમાં મૂકાયું હોત અને જળમાર્ગે ચાલતો તેનો આયાત-નિકાસ વેપાર ઠપ્પ થઇ જતાં અર્થતંત્રને મોટો ફટકો વાગ્યો હોત.

નથી લાગતું કે જનરલ સુંદરજીનો જુગારી દાવ ભારતે ખરેખર રમવાલાયક હતો ? પાકિસ્તાનની લશ્કરી તાકાત આજે છે તેટલી ૧૯૮૬ના તે સમયે ન હતી. પાકિસ્તાનના ખુશ્કીદળમાં રેડાર ગાઇડેડ તોપો ન હતી, જે આજે છે. હવાઇદળમાં ચીની બનાવટનાં કેટલાંક વિમાનો ન હતાં, જે આજે છે. નૌકાદળમાં કેટલીક મિસાઇલ સજ્જ મનવારો તેમજ આધુનિક સબમરીનો ન હતી, જે આજે છે. આજે તેની પાસે અણુબોમ્બ છે અને વળી તે અણુબોમ્બ ફેંકવા માટે ચીની બનાવટનાં મિસાઇલો છે, જે ૧૯૮૬માં ન હતાં. આથી પાકિસ્તાનને હંમેશ માટે પાંસરુ કરી દેવા માટે જનરલ સુંદરજીએ શોધેલો મોકો ભારત માટે કદાચ છેલ્લો હતો. આ મોકો ગુમાવ્યાનાં અનેક માઠાં પરિણામો ભારત ૧૯૮૬થી આજ દિન સુધી ભોગવી ચૂક્યું છે. ગયે મહિને કાશ્મીરના ઉરી પર થયેલો આતંકવાદી હુમલો તેનો વધુ એક દાખલો છે.

Saturday, September 3, 2016

'સ્‍કો‌ર્પ‌િન' સબમરીનના સ‌િક્રેટ ડેટાની તફડંચી ભારત માટે કેમ ચ‌િંતાજનક છે ?

ભારતીય નૌકાદળ માટે અત્યાધુનિક ‘સ્કોર્પિન’ સબમરીન્સનો ફ્રાન્સ જોડે કરાયેલો સોદો કયા ચોઘડિયામાં થયો એ કોણ જાણે, પણ તે થયા પછી ભારતના નસીબે ઉદ્વેગ લખાયો હોય એમ લાગે છે. સોદો છેક ૨૦૦૨ની સાલમાં થયો, જે મુજબ ભારતે ૬ ‘સ્કોર્પિન’ બદલ ફ્રાન્સને રૂા.૧૨,૬૦૯ કરોડ ચૂકવવાના હતા. લેખિત કોન્ટ્રાક્ટ પર સહીસિક્કા કરવામાં ત્રણ વર્ષ નીકળી ગયાં, એટલે ૨૦૦૫માં સોદાની રકમ રૂા.૧૫,૪૪૭ કરોડે પહોંચી. ટેક્નોલોજિના હસ્તાંતરણમાં ફ્રાન્સે વધુ કેટલાંક વર્ષ ખેંચી નાખ્યા, એટલે ‘સ્કોર્પિન’ પેટેનું ભારતીય ચૂકવણું આખરે રૂા.૧૮,૦૦૦ કરોડે પહોંચ્યું. સોદાની મૂળ રકમ કરતાં રૂા.૬,૦૦૦ કરોડ વધારે ! ભારતના પક્ષે ઉદ્વેગનો ક્રમ આટલેથી અટક્યો નહિ. આ સબમરીનના બાંધકામનું વર્ષ ૨૦૧૨ નક્કી કરવામાં આવ્યું હતું, પણ મુહૂર્ત છેક ૨૦૧૫માં આવ્યું. પહેલી ‘સ્કોર્પિન’ એ વર્ષે બની ખરી, પણ બ્લેક શાર્ક નામના ટોરપિડોના અભાવે મારકણી ન બની.

૨૦૦૨થી આજ દિન સુધી ‘સ્કોર્પિન’ને લઇ ભારતને એક પછી એક સંખ્યાબંધ હર્ડલ્સ નડ્યાં. ગયા મહિનાની આખરમાં વળી એક અણધારી રુકાવટ આવી, જેની ગંભીરતા જોતાં તેને હર્ડલ ન કહેતાં રીતસર મુસીબતનો પહાડ ગણવો જોઇએ. ‘સ્કોર્પિન’ સબમરીનનાં ટેક્નિકલ પાસાંને લગતો સિક્રેટ ડેટા કોઇ હેકિંગ વડે ધાપી ગયું. ડેટા વ્યૂહાત્મક દષ્ટિએ તો જાણે ‘વજનદાર’ હતો, પણ પ્રેક્ટિકલ સ્વરૂપેય ખાસ્સો વજનદાર બને તેમ હતો. કારણ કે કુલ મળીને ૨૨,૪૦૦ પાનાંમાં સમાય એટલી સંકીર્ણ વિગતો તેમાં હતી. જેમ કે--‘સ્કોર્પિન’ સબમરીનના અન્ડરવોટર વીજાણું સેન્સર્સ અને તેની કામગીરી વિશેની જાણકારી ૪,૪૫૭ પાનાંમાં ફેલાયેલી છે. જળસપાટી ઉપર કામ કરનારાં સેન્સર્સની વિગતોનું વિવરણ ૪,૨૦૯ પાનાં જેટલું છે. ‘સ્કોર્પિન’ની અટેક અને ડિફેન્સ સિસ્ટમને લગતો ડેટા ૪,૩૦૧ પાનાંનો, સંદેશાવ્યવહાર તેમજ દિશાશોધન ઉપકરણો અંગે રજેરજની માહિતી અનુક્રમે ૬,૮૪૧ તથા ૨,૩૧૮ પાનાંની અને ટોરપિડો દાગવા માટેની સંકીર્ણ સિસ્ટમનું વિવરણ ૪૯૩ પાનાંનું છે. આ ઉપરાંત ‘સ્કોર્પિન’ની કાર્યરચનાને લગતો બીજો કેટલોક ખાનગી ડેટા ભાંગફોડિયા હેકરના હાથ લાગ્યો છે. હેકિંગનું કારસ્તાન કોનું એ તો (આ લખાય છે ત્યારે) જાણી શકાયું નથી, પરંતુ વિચાર માગી લેતો સવાલ એ કે ભારતના પડોશી દુશ્મન દેશોને એ ખજાનો હાથ લાગી જાય તો ભારત માટે સંરક્ષણની દષ્ટિએ તેનું પરિણામ શું આવે ? બહુ જ ખતરનાક આવે તે ચોખ્ખી વાત છે.
ભારતમાં બનેલી પહેલી ‘સ્કોર્પિન’, જે પણ હવે ખાનગી ડેટાની તફડંચી બાદ દુશ્મન માટે ખૂલી કિતાબ જેવી છે
ખતરનાક એ રીતે કે અરબી સમુદ્ર માથેનું આકાશ હવે ૧૯૭૧ના યુદ્ધની જેમ રેઢું પડેલું નથી. પાકિસ્તાનનાં PC-3 અરાયન પ્રકારનાં સબમરીનવિરોધી વિમાનો ત્યાં દિવસરાત પેટ્રોલિંગ કરે છે. દુશ્મન સબમરીનને શોધવા માટે એ વિમાનમાં સૂક્ષ્મગ્રાહી રેડાર અને સોનાર છે. એક જ છલાંગે ૩,૮૩૫ કિલોમીટરની બહોળી ત્રિજ્યામાં ફરી વળતું PC-3 અરાયન વિમાન અનેક કિલોમીટર છેટેની સબમરીનને પણ શોધી કાઢતું હોય ત્યારે ભારતીય ‘સ્કોર્પિન’ સબમરીન વિશે રજેરજની માહિતી તેની પાસે હોય એવા સંજોગોમાં તે છાની રહી શકે નહિ. હેકિંગ વડે ખાનગી ડેટાની તફડંચી પામ્યા પછી ‘સ્કોર્પિન’ના સંદેશાવ્યવહારની સિસ્ટમ હવે ખુલ્લી પડી છે, એટલે નૌકાદળના ટોપ સિક્રેટ સંદેશાની આપ-લે માત્ર તેની હાજરીને નહિ, સ્થાનને પણ છતું કરી દે. એ પછી તેને ખતમ કરી નાખવા માટે PC-3 અરાયન વિમાનના ચાલકો પાસે ૨૪ ડેપ્થચાર્જ (પાણીની અંદર ચોક્કસ ઊંડાઇએ ફાટતા જળગોળા) છે અને ટોરપિડો પણ છે. આ જાતનો તખ્તો ગોઠવાયો હોય ત્યાં સબમરીન માટે બચવું સહેલું નથી. આ જાસૂસ-કમ-જલ્લાદ પ્લેન જ્યાં પણ પેટ્રોલિંગ કરતું હોય ત્યાં દુશ્મન સબમરીને સપાટી પર આવવું કે પછી જળસપાટી નજીક રહીને સહેજ નીચે હંકારવું તે મોતને તેડું આપવા બરાબર છે.

લડાઇ વખતે ‘સ્કોર્પિન’ રખે પોતાનું અસ્તિત્વ ગોપિત રાખવામાં અસફળ રહે અને દુશ્મન વિમાને તેની સામે ગાઇડેડ ટોરપિડો છોડ્યો, તો સ્વબચાવ માટે ‘સ્કોર્પિન’ની C303 કહેવાતી ડિફેન્સ સિસ્ટમ સમુદ્રમાં બનાવટી/decoy લક્ષ્યાંકોની તથા જામિંગનાં સાધનોની ભરમાર રચી શકે છે. ‘છેતરાયેલો’ ટોરપિડો તે લક્ષ્યાંકો તરફ વળી જાય, એટલે ‘સ્કોર્પિન’ના માથેથી ઘાત ટળે છે. ભાંગફોડિયા હેકરે ‘સ્કોર્પિન’ની સ્વરક્ષણ ટેક્નોલોજિનો ડેટા પણ તફડાવ્યો છે, એટલે નૌકાદળમાં ‘સ્કોર્પિન’ સામેલ કરવા માગતા ભારત માટે એ તફડંચી ચિંતાનો વિષય ગણવી જોઇએ. આ હેકિંગકાંડને દુઃસ્વપ્ન ગણીને ભૂલી શકાય તેમ નથી અને યાદ કરીને તેના પર આંસુ સારી શકાય તેમ પણ નથી. સવાલ દેશની સુરક્ષાને લગતો છે, માટે ખુદ ‘સ્કોર્પિન’ની સુરક્ષામાં પડેલું ગાબડું પૂરાય નહિ ત્યાં લગી ‘સ્કોર્પિન’ પ્રોજેક્ટને બટ્ટો લાગે એ સંભવ છે. આ સબમરીનને લઇ ભારતના ઉદ્વેગનો જાણે અંત જ નથી.

Thursday, August 4, 2016

ભારત ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપમાં જોડાય અેમાં ચીનને કેમ પેટમાં દુખે છે ?

ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપ/ NSGનું સભ્યપદ મેળવવા તાજેતરનાં વર્ષોમાં ભારત સરકારે વૈશ્વિક સ્તરે ડિપ્લોમેટિક અભિયાન ચલાવ્યું, જેના ભાગરૂપે વડા પ્રધાને બ્રિટન, ફ્રાન્સ, રશિયા, અમેરિકા, મેક્સિકો વગેરે જેવા દેશોની મુલાકાત લીધી અને તેમના રાષ્ટ્રવડાઓને NSG સંગઠનમાં ભારતને સ્થાન અપાવવા માટે મનાવ્યા. સંગઠનમાં ભારતનું સ્થાન લગભગ પાકું હતું, પણ છેલ્લી ઘડીએ (જૂન ૨૨, ૨૦૧૬ના રોજ) ચીને ડિપ્લોમેટિક ફાચર મારીને ભારતની મુરાદ બર આવવા ન દીધી. ચીનના રાષ્ટ્રવડાએ NSGના સૌ સભ્યદેશોને સ્પષ્ટ જણાવી દીધું કે ભારતને જો NSGનું સભ્યપદ આપો તો પાકિસ્તાનને શા માટે નહિ? બસ, મામલો ત્યાં અટકી પડ્યો. ભારતને NSGનું સભ્યપદ મળતાં રહી ગયું. પાકિસ્તાન જેવા બેજવાબદાર દેશને NSG સંગઠનમાં સામેલ ન કરાય એ તો જાણે જગજાહેર વાત છે, પણ NSGના મેમ્બર થવું ભારત માટે અત્યંત જરૂરી શા માટે છે તે વિગતે સમજવા જેવું છે.
ભારતમાં યુરેનિયમનો કુલ જથ્થો ૫૪,૦૦૦ ટન કરતાં વધારે નથી. આ પુરવઠા વડે ૧૦,૦૦૦ મેગાવોટનાં અણુમથકોની જરૂરિયાત તેમની આવરદા સુધી પૂરી થાય, જ્યારે વીજળીના ઉત્પાદન અંગે ભારતનો પ્લાન તો આવતા એકાદ દસકામાં બીજા ૧,૬૦,૦૦૦ મેગાવોટનો ઉમેરો કરવાનો છે. વિદેશી યુરેનિયમ મેળવ્યા વિના એ શક્ય નથી. બીજી તરફ અણુઊર્જાની બાબતે ભારત વૈશ્વિક લેવલે જ્ઞાતિબહાર મૂકાયેલો દેશ છે. મે ૧૮, ૧૯૭૪ના રોજ ભારતે પોકરણ ખાતે પહેલો અણુધડાકો કર્યા પછી જગતભરમાં હોબાળો મચ્યો. ૧૯૭૫માં અમેરિકાની સરદારી નીચે એ દેશોના પ્રતિનિધિઓ લંડનમાં ભેગા મળ્યા કે જેઓ અણુઊર્જાને લગતો સરંજામ નિકાસ કરે છે. ભારત પર તહોમત એ મૂકાયું કે અમેરિકાએ તથા કેનેડાએ તેને જે યુરેનિયમ તથા અણુરિએક્ટર વેચ્યાં તેમનો ઉપયોગ તેણે અણુબોમ્બ બનાવવા માટે કર્યો. આ દેશોએ તાબડતોબ ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપ/ NSG નામનું મોનોપલી જૂથ રચી દીધું. જૂથે સર્વસંમતિએ ઠરાવ્યું કે ભારત જેવા ‘આડે પાટે’ ગયેલા કે જાય તેવા દેશોને યુરેનિયમ, અણુરિએક્ટર, યુરેનિયમના સમૃદ્ધિકરણ માટેનાં સાધનો ઇત્યાદિ વેચવા નહિ.

આમ, ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપ/ NSG વાસ્તવમાં અણુક્ષેત્રે મુખ્યત્વે ભારતના હુક્કાપાણી બંધ કરાવાના આશયે રચાયેલું બહુરાષ્ટ્રીય સંગઠન છે. આજે તે સંગઠનમાં ચીન સહિત કુલ ૪૮ સભ્યદેશો છે, પણ ભારત નથી. અગાઉની કેંદ્ર સરકારોએ સભ્યપદ માટે કોશિશો પણ કરી નથી. વર્તમાન સરકારે ઝુંબેશ ઉપાડી અને રશિયા, બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા વગેરે અગ્રગણ્ય દેશોને ભારતની તરફેણમાં લાવી દીધા. આંતરરાષ્ટ્રીય સ્તરે ડિપ્લોમેટિક અભિયાન મુખ્ય ત્રણ કારણોસર ચલાવ્યું :

(૧) ભારત NSGનું સભ્ય થાય તો અણુશક્તિના ક્ષેત્રે વિકસેલી આધુનિક ટેક્નોલોજિ મુક્ત આયાત દ્વારા વસાવવા-વાપરવાનો લાભ તેને મળે, જે પ્રતિબંધોને લીધે છેલ્લાં ચાલીસેક વર્ષ થયે મળ્યો નથી. 

(૨) અણુશક્તિની બાબતમાં આવશ્યક તમામ પ્રણાલી-પુરવઠો છૂટથી ઉપલબ્ધ થયા બાદ ભારત પરમાણુ શસ્ત્રોની રેસમાં પાકિસ્તાન કરતાં આગળ નીકળી શકે અને વખત જતાં ચીનનું સમોવડિયું બની શકે તે NSGનું સભ્યપદ હાંસલ કર્યાનો બીજો ફાયદો છે. ભારતની સરખામણીએ પાકિસ્તાન હાલ વધુ અણુશસ્ત્રો ધરાવે છે. અમેરિકી સૂત્રો મુજબ પાકિસ્તાન વર્ષેદહાડે ૨૦ અણુશસ્ત્રો તૈયાર કરી રહ્યું છે, જ્યારે ભારત ફક્ત ૫ બનાવે છે. આપણને તંગી યુરેનિયમની વરતાય છે. અણુપ્રસારને રોકતી સંધિ પર આપણે સહી કરી નથી, માટે આંતરરાષ્ટ્રીય બજારમાં યુરેનિયમ ખરીદી શકતા નથી. ભારત NSGનું સભ્ય થાય તો મુક્ત રીતે યુરોનિયમની ખરીદી થઇ શકે. 

(૩) લાત્વિયા અને બેલારૂસ જેવા ચિલ્લર દેશો પણ NSGના સભ્યો છે. નવાઇ તો એ કે અમુક સભ્યદેશો અણુકાર્યક્રમ ધરાવતા જ નથી. આ દેશોના પ્રતિનિધિઓ NSGની બેઠકમાં મંત્રણના રાઉન્ડ ટેબલ ફરતે ગોઠવાયેલા હોય અને બીજી તરફ એશિયન સુપરપાવરના દરજ્જે ઝડપભેર પહોંચવા માંડેલા ભારતે દરવાજાની બહાર રહેવું પડે એ સ્થિતિ માનભરી નથી. દુનિયાના ૪૮ જેટલા દેશોના વિશિષ્ટ જૂથમાં ભારતની ગણના ન થવાને લીધે તેની આંતરરાષ્ટ્રીય પ્રતિભા તેમજ પ્રભાવ બેયને ધક્કો પહોંચ્યો છે.

આ જૂથમાં છેવટે ભારતને પ્રવેશ ન મળ્યો, કારણ કે એશિયામાં પોતાની રાજકીય તથા લશ્કરી વગ જાળવી રાખવા માગતું (અને ભારતને યુરેનિયમથી વંચિત રાખવા માગતું) ચીન અડચણો નાખ્યા વિના ન રહ્યું. આમ છતાં ભારતે કૂટનીતિની લાંબી કસરત એટલા માટે કરી કે વિશ્વમતને પોતાની તરફેણમાં લાવવો હતો અને ચીનને એકલું પાડી દેવું હતું. ટૂંકમાં, ભારતે (સફળતાપૂર્વક) માંડેલો ખેલ ડિપ્લોમેટિક હતો. એ વાત જુદી કે દેશનું બહુધા મીડિઆ તે ખેલ સમજી ન શક્યું અને ચીને ભારતનું સૂરસૂરિયું કરી નાખ્યાના ન્યૂઝ સાથે તેણે મામલો ચગાવ્યો.

Tuesday, July 5, 2016

ભારતના અેકમાત્ર સંસ્કૃત દૈ‌ન‌િકનો મદદ માટે છેલ્લો SOS સંદેશો

એક જાણીતા અંગ્રેજી ન્યૂઝ મેગેઝિનના તંત્રીને કેટલાંક વર્ષ પહેલાં તેના વાચકે ફરિયાદભર્યો પત્ર લખ્યો કે, ‘તમારા સામયિકમાં દર ત્રીજે પાને જાહેરાત હોય છે, જેને કારણે માહિતીલેખોના વાંચનમાં વારંવાર બાધા આવે છે. એકાગ્રતા તૂટે છે અને રસભંગ થાય છે. આનો કોઇક ઉપાય કરો તો સારું !’

બીજા જ અંકે તંત્રીએ ફરિયાદનો પ્રત્યુત્તર સંપાદકીયમાં આપતા જણાવ્યું કે, ‘માન્યું કે સામયિકના દર ત્રીજે પાને જાહેરાત હોય છે, પણ એમ ન કરીએ તો કાગળ, પ્રિન્ટિંગ, વિતરણ, પગાર-ભથ્થાં વગેરેના ખર્ચા કાઢવા માટે સામયિકની કિંમત રૂા.૬૦ રાખવી પડે. અત્યારે તમે સામયિક માટે ફક્ત રૂા.૧૫ ચૂકવો છો તે એટલા માટે કે જાહેરાતોની આવકમાંથી અમારા ઘણાખરા ખર્ચ નીકળી જાય છે.’

આ બનાવને આજે તો લગભગ વીસેક વર્ષ થયાં. પેલા સામયિકની કિંમત રૂપિયા પચાસના આંકડે પહોંચી છે, તો અંકનાં પાનાંમાં અગાઉ કરતાં પચાસ ટકાથી વધુનો કાપ આવી ગયો છે. દર ત્રીજે-ચોથે પાને જાહેરાતની વર્ષો પુરાણી પ્રથા હજી ચાલુ છે, એટલે વાચકોને વાચનસામગ્રીના નામે મળતાં પાનાંનો જુમલો સાવ કંગાળ બન્યો છે. જાહેરાત પર નભતા (અગર તો જાહેરાત થકી ધરખમ આવક સારુ જ પ્રગટ થતા) મોટા ભાગના સામયિકોનું બિઝનેસ મોડલ આજે વધુ-ઓછે અંશે આવું જ છે. દર થોડા અંકે તેમની વેચાણકિંમતમાં બઢૌતી થતી જાય છે અને સામે પાનાંની સંખ્યામાં કટૌતી આવતી રહે છે. ભારતના સૂચના અને પ્રસારણ મંત્રાલયે દૈનિકોમાં તેમજ સામયિકોમાં જાહેરાત સામે માહિતીની ટકાવારી ૪૦% વિરુદ્ધ ૬૦% નક્કી કરી છે. મતલબ કે અંકનાં કુલ પાનાં પૈકી જાહેરાતનાં પેજ વધુમાં વધુ ૪૦% હોય ત્યાં સુધી ચાલે; પરંતુ બાકીના ૬૦% પાનાં નક્કર માહિતી માટે રિઝર્વ રાખવા જરૂરી છે. આજે દેશના અનેક સામયિકોએ પેલી ૪૦-૬૦ની ટકાવારી રિવર્સ કરી દીધી છે. પ્રકાશનને લગતી નીતિમત્તાને તેને કારણે બટ્ટો લાગ્યો છે.

આ માયૂસીભર્યા વાતાવરણમાં જો કે અમુક અપવાદરૂપ સામયિકો તેમજ અખબારો પણ છે, જેમણે પોતાની નીતિમત્તાને તેમજ વાચકો પ્રત્યેની વફાદારીને સહેજ પણ આંચ આવવા દીધી નથી. આવો એક દાખલો મૈસૂરુ શહેરથી પ્રગટ થતા ‘âéÏ×æü’ નામના ભારતના એકમાત્ર સંસ્કૃત દૈનિકનો છે. જુલાઇ, ૧૯૭૦માં કે. એન. વી. આયંગર નામના સંસ્કૃત વિદ્વાને તેનું પ્રકાશન સંસ્કૃત ભાષાને જીવંત રાખવાના તેમજ તેનો પ્રસાર કરવાના સુવિચાર સાથે શરૂ કર્યું હતું. સાડા ચાર દાયકાથી તે નિયમિત પ્રગટ થાય છે, પરંતુ છેલ્લા કેટલાક સમય થયે પ્રકાશન વધુ ને વધુ નાજૂક સ્થિતિમાં મૂકાતું જાય છે. ‘âéÏ×æü’નો વાચકગણ અઢી-ત્રણ હજાર જેટલો મર્યાદિત છે. નવા વાચકો તેને મળતા નથી--અને ન મળવાનું કારણ સ્વાભાવિક છે. ૨૦૦૧ની સાલના સરકારી ફિગર મુજબ દેશની સવા અબજની વસ્તીમાં માંડ ૧૪,૧૩૫ જણા સંસ્કૃતના જાણકાર છે. આ મુઠ્ઠીભર લોકો પૈકી વળી તમામને ‘âéÏ×æü’ દૈનિકમાં રસ પડે એ પણ જરૂરી નથી. આમ, બહુ સીમિત વાચકગણ સાથે ‘âéÏ×æü’નું પ્રકાશન થઇ રહ્યું છે. આ દૈનિકને પગભર રાખવા માટે દરરોજ રૂા.૨,૦૦૦ની સાવ મામૂલી રકમની જાહેરખબરો મળવી જોઇએ, છતાં એટલી પણ મળતી નથી. પરિણામે દૈનિકનો નિભાવખર્ચ વધવાને કારણે કેટલાંક વર્ષથી ‘âéÏ×æü’ સતત ખોટ કરી રહ્યું છે. આમ છતાં કહેવું પડે ‘âéÏ×æü’ના વર્તમાન સંચાલક કે. વી. સંપતકુમાર માટે કે જેમણે પ્રકાશન અટકાવ્યું નથી. વાચકો પ્રત્યેકની વફાદારીનો તેમજ મૂલ્યનિષ્ઠ પ્રકાશનનો સંપતકુમારે શ્રેષ્ઠ દાખલો બેસાડ્યો છે.

âéÏ×æü’નું પ્રકાશન ચાલુ રહે એ ખાતર સંપતકુમારે દિલ્લીનાં સરકારી કાર્યાલયોમાં વારંવાર મદદની ટહેલ નાખી, પણ એકેયનો જવાબ ન મળ્યો. હતોત્સાહ થયેલા સંપતકુમારે આખરે દેશવાસીઓની સહાયતા માગી રહ્યા છે. સંસ્કૃત જાણતા લોકોને તેમણે ‘âéÏ×æü’નું રૂા.૪૦૦નું વાર્ષિક લવાજમ ભરવા માટે અપીલ કરી છે. સંસ્કૃતનું જેમને જ્ઞાન નથી તેવા લોકોને (http://sudharma.epapertoday.com/donate વેબસાઇટ દ્વારા) યથાશક્તિ ડોનેશન આપવા માટે વિનંતી પણ કરી છે. સંપતકુમારની અપીલને તેમજ વિનંતીને પ્રતિસાદ મળે તેવી આશા રાખીએ, કેમ કે ભારતના એકમાત્ર સંસ્કૃત દૈનિકને જીવતું રાખવા માટેની મદદનો તે કદાચ છેલ્લો S.O.S. સંદેશો છે.

જોયું ? આરંભના કિસ્સામાં અને ‘âéÏ×æü’ના કિસ્સામાં કેવો ગજબનાક કોન્ટ્રાસ્ટ છે ! વ્યવસાયિક પ્રકાશન અને મૂલ્યનિષ્ઠ પ્રકાશન વચ્ચેનો તફાવત એ કોન્ટ્રાસ્ટમાં વ્યક્ત થાય છે.

Friday, June 3, 2016

જીપગાડીથી અગોસ્તા હે‌લ‌િકોપ્ટર : શસ્ત્રોના સોદા ભોપાળાં કેમ નીવડે છે ?

અગોસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના તેમજ રફાલ વિમાનોના સોદાને લઇને ગયા મહિને દેશભરના સમાચાર માધ્યમોમાં ખાસ્સી ‘તાજગી’ રહી. એકમાં કેંદ્રસ્થાને રૂા.૩૬૦ કરોડના ભ્રષ્ટાચારનો મુદ્દો હતો, તો બીજામાં સંરક્ષણના ક્ષેત્રે સરકારનું ‘હોતા હૈ, ચલતા હૈ’ વલણ ઉજાગર થતું હતું. આ બેઉ સંજોગોને હવે તો સામાન્ય વાત ગણવી જોઇએ, કારણ કે આઝાદી પછી ભારતે અબજોના અબજો ડોલરનાં વિમાનો, રણગાડીઓ, યુદ્ધજહાજો, મિસાઇલ્સ, સબમરીનો અને તોપગોળા ખરીદ કર્યાં, પરંતુ સમ ખાવા પૂરતો એકેય સોદો નિષ્ઠાની અગર તો નીતિમત્તાની રાહે થયો નથી. વર્ષો પહેલાં બોફર્સ તોપોના તેમજ તાજેતરમાં અગોસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરોના કેસમાં બન્યું તેમ ફક્ત ખાયકી પાસે વાત અટકે તો એવું સમજીને દિલાસો મેળવી શકાય કે પ્રજાને હંમેશાં સત્તાલોભી તેમજ પૈસાલોભી રાજકર્તાઓ મળે છે, પરંતુ દેશની સલામતીના ભોગે ખોટું કે ખોડભર્યું શસ્ત્ર ખરીદવામાં આવે ત્યારે રાજકીય કે વહીવટી દુરાચાર અને દેશદ્રોહ વચ્ચે આછીપાતળી ભેદરેખા પણ રહેતી નથી.

આ ભેદરેખા મિટાવતો પહેલી વારનો બનાવ ૧૯૪૮માં બન્યો કે જ્યારે આઝાદ ભારતે તેનો સૌ પ્રથમ સંરક્ષણ સોદો કર્યો. બ્રિટન પાસેથી એ વર્ષે રૂા.૮૦ લાખના બદલામાં કુલ ૨૦૦ લશ્કરી જીપગાડીઓ ખરીદ કરવામાં આવી. સોદો મૂળ તો બ્રિટને વિશ્વયુદ્ધમાં ન વાપરેલી જીપગાડીઓ માટે કરાયો હતો અને ભારતે બ્રાન્ડ ન્યૂ વાહનના ભાવે બ્રિટને માગેલાં નાણાં પણ ચૂકવી દીધાં. અલબત્ત, થોડા વખત બાદ બ્રિટનથી જીપગાડી લાદેલું જહાજ ભારત પહોંચ્યું ત્યારે તેમાંથી ૨૦૦ નહિ, પણ ફક્ત ૧૫૫ જીપગાડીઓ નીકળી. પિસ્તાલીસ નંગના શોર્ટ-ફોલ અંગે બ્રિટને ખુલાસો આપ્યો નહિ. ભારતે માગ્યો પણ નહિ. ગોદીમાં લાંગરેલા જહાજ પરથી નીચે તરફ લંબાતી લસરપટ્ટી પર હંકારીને જીપગાડીઓને વારાફરતી નીચે ઉતારવાની હતી અને ત્યાર પછી ગોદીમાંથી બહાર રસ્તા પર હંકારી જવાની હતી. ઓફલોડિંગની આવી કાર્યવાહી કરતી વખતે કેટલીક જીપગાડીનું એન્જિન ચાલુ ન થયું ત્યારે બોનેટ ખોલીને જોતાં ખબર પડી કે તેમાં એન્જિન જ ન હતું. નોંધવા જેવી વાત છે કે સોદો ૨૦૦ બ્રાન્ડ-ન્યૂ જીપગાડીઓ માટે થયેલો. ભારતને બદલમાં ૧૫૫ જીપગાડીઓ મળી--અને તે પણ સેકન્ડ હેન્ડ નીકળી ! બ્રિટને છડેચોક ભારતને છેતર્યું, છતાં એ છેતરપીંડી સામે ભારતે વિરોધ સુધ્ધાં ન કર્યો.
સોદામાં અનેક મુદતો અને મુદતોને લીધે વર્ષો વીતી ગયા પછી અાજે દરેક રફાલ ‌ વ‌િમાન અાપણને રૂા.૭૦૦ થી રૂા.૭પ૦ કરોડમાં પડવાનું છે
આ દાખલો સુરક્ષાના મામલે આપણે ત્યાંના ‘હોતા હૈ, ચલતા હૈ’ વલણનો છે. વલણમાં હજી ખાસ બદલાવ આવ્યો નથી, માટે આઝાદીના સાત દાયકા થયે પણ આપણે શસ્ત્રોની બાબતમાં સ્વાવલંબી બની શક્યા નથી. દુનિયાના ઘણાખરા દેશોમાં ત્યાંની સરકારો નહિ, બલકે પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ જ શસ્ત્રો બનાવે છે. અમેરિકાની બોઇંગ (Apache ગનશિપ હેલિકોપ્ટર), હેથિઓન (Patriot મિસાઇલ) તથા લોકહીડ-માર્ટિન (F-16 વિમાન), ફ્રાન્સની દસોલ કંપની (Rafale પ્લેન) તથા DCNS કંપની (Scorpene સબમરીન), સ્વીડનની બોફર્સ (FH-77B હોવિટ્ઝર તોપ) વગેરે જાણીતી પ્રાઇવેટ કંપનીઓ છે. આપણે ત્યાં સરકારે શસ્ત્રો બનાવવાનો ધંધો આદર્યો, જે તેમનું કામ નથી. ડિફેન્સ ટેક્નોલોજિ અંગે પ્રધાનોનું જ્ઞાન તો શૂન્ય કરતાં પણ ઓછું (માઇનસ) હોય, છતાં શસ્ત્રોદ્યોગના ક્ષેત્રે પબ્લિક સેક્ટરનાં લગભગ ૩૦ કારખાનાં ખોલી નાખવામાં આવ્યાં. કારખાનાંએ જે શસ્ત્રો બનાવ્યાં તે સ્વદેશી કહેવાય છે, પણ તેમનાં ઘણાખરા મુખ્ય પૂરજા આયાતી છે. ઉદાહરણ તરીકે LCA/ તેજસનું જેટ એન્જિન GE F 404 અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક કંપનીનું છે, એર-ટુ-એર R 73 E મિસાઇલ રશિયન છે, બહુશ્રુત રેડાર ઇઝરાયેલી કંપની એલ્ટાનું છે, જ્યારે ઇજેક્શન સીટ બ્રિટિશ કંપની માર્ટિન બેકરની છે. તેજસના બીજા પણ કેટલાક પાર્ટ્સ આયાતી છે, જ્યારે અર્જુન રણગાડીના તો ૫૫% પૂરજા ઇમ્પોર્ટેડ હોવાનું જોતાં તેને સ્વદેશી ટેન્ક કહેવી કે પરદેશી ગણવી તે સવાલ છે. એન્ટિ-ટેન્ક નાગ મિસાઇલનું રૂા. ૩૮૦ કરોડનું મૂળ બજેટ આજે રૂા. ૧,૭૦૦ કરોડ થયું છે. મિસાઇલમાં ૩૫% પૂરજા વળી પરદેશી છે. આમ છતાં ભારતીય ખુશ્કીદળ માટે અતિ મહત્ત્વનું તે શસ્ત્ર આજે ૩૪ વર્ષે પણ હજી બન્યું નથી.

વિચારો જરા કે સંરક્ષણના મામલે આપણે ક્યાં ઊભા છીએ ! એક તરફ સ્વદેશી શસ્ત્રો હજી સંશોધનની એરણેથી ઊતર્યાં નથી, બીજી તરફ આયાતી શસ્ત્રો ભ્રષ્ટાચારની ડમરીમાં અટવાયા છે, તો ત્રીજી તરફ સરકારનું ‘હોતા હૈ, ચલતા હૈ’ વલણ રફાલ જેવાં વિમાનોની ખરીદીમાં અનેક મુદતો પાડી ચૂક્યું છે. સંરક્ષણ જેવા પ્રાણપ્રશ્નની બાબતે આટલી બેકાળજી કેવી રીતે ચાલે ? 

Thursday, May 5, 2016

શોધ-સંશોધનોની પેટન્‍ટ : સાૈ દેશો લઇ ગયા, આપણે કેમ (પાછળ) રહી ગયા ?

વિજ્ઞાનજગતમાં સૌથી વધુ (કુલ ૨,૩૩૨) શોધોની તેમજ નુસખાઓની પેટન્ટ નોંધાવનાર  મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસને એક વાર કહ્યું હતું કે, ‘હું આટઆટલી શોધ કરીને તેમની પેટન્ટ મેળવી શક્યો તેનું કારણ એ કે મને બપોરે ઝોકું ખાવાની ટેવ હતી. અડધા કલાકની ઊંઘ મારા દિમાગને તરોતાજા કરી દેતી, એટલે મગજ પાસે વધુ કામ લેવાનું શક્ય બનતું હતું.’

એડિસનની વાતમાં દમ હતો તેમ વૈજ્ઞાનિક વજૂદ પણ હતું. મનોવિજ્ઞાનના સંશોધકોએ કાઢેલા તારણ મુજબ બપોરે ચાલીસેક મિનિટનું ઝોકું લો એ દરમ્યાન બાયોકેમિકલ પ્રોસેસ વડે શરીરમાં નવી શક્તિનો સંચાર થાય છે. પરિણામે જાગ્યા બાદ શરીરમાં ૧૦૦% સ્ફૂર્તિ અને ૧૦૦% તાજગી વરતાય છે. આ વૈજ્ઞાનિક હકીકતને શોધ-સંશોધનની પેટન્ટના જુમલા સાથે જો ખરેખર ગાઢ સંબંધ હોય તો ભારતના સંશોધકોએ એડિસનની ટેવને અનુસરવાની જરૂર હોય એમ લાગે છે. પેટન્ટ મેળવવાની બાબતે દેશનું ઉદાસિન ચિત્ર કદાચ ત્યાર પછી રંગીન બને ! ચિત્ર હાલ કેવું ઉદાસિન છે તે જુઓ ઃ સ્વિટ્ઝરલેન્ડના જીનિવા શહેર ખાતે આવેલી યુનોની પેટાસંસ્થાએ હમણાં તેના રિપોર્ટમાં જણાવ્યું તેમ ૨૦૧૫ની સાલમાં ભારતીય સંશોધકોએ ગણીને માત્ર ૧,૪૨૩ પેટન્ટ દર્જ કરાવી હતી. ૨૦૧૪માં આંકડો ફક્ત ૧,૪૨૮નો હતો, જ્યારે ૨૦૧૩માં ભારત માંડ ૧,૩૨૦ પેટન્ટ નોંધાવી શક્યું હતું. અહીં ‘માત્ર’, ‘ફક્ત’ અને ‘માંડ’ જેવાં વિશેષણો થકી આંકડાની કંગાલિયતનો ખ્યાલ આવે તેમ નથી, માટે પેટન્ટની સંખ્યાના મામલે ભારતને ઓવરટેક કરી ગયેલા કેટલાક દેશોનો સ્કોર જાણવો રહ્યો. ૨૦૧૫ની સાલમાં ભારતે ૧,૪૨૩ પેટન્ટો મેળવી, તો દક્ષિણ કોરિયાએ ભારત કરતાં (દસ ગણી) ૧૪,૬૨૬; ચીને (વીસ ગણી) ૨૯,૮૪૬ અને જાપાને તો (ત્રીસ ગણી) ૪૪,૨૩૫ વૈજ્ઞાનિક પેટન્ટો દર્જ કરાવી હતી. એ જ રીતે ૨૦૧૪માં ભારતના ૧,૪૨૮ પેટન્ટના જુમલા સામે દક્ષિણ કોરિયા, ચીન અને જાપાનનો સ્કોર અનુક્રમે ૧૩,૧૧૭; ૨૫,૫૪૮ અને ૪૨,૩૮૧ રહ્યો હતો.

પેટન્ટ હંમેશાં અગાઉ ન શોધાયેલા યંત્ર, સાધન કે બીજી કોઇ વસ્તુ માટે એનાયત કરવામાં આવતી હોય છે. પરિણામે કોઇ સંશોધક એકાદ પેટન્ટ મેળવવામાં સફળ થાય તેનો સાફ અર્થ એ કે તેણે કરેલી શોધ સખત દિમાગી પરિશ્રમનું, અવનવા વૈજ્ઞાનિક પ્રયોગોનું તેમજ બુદ્ધિગમ્ય તર્કોનું ફરજંદ છે. આમ પેટન્ટની સંખ્યાને દેશના બુદ્ધિધન જોડે જેટલો સીધો સંબંધ છે એટલો જ સીધો સંબંધ દેશના વૈજ્ઞાનિક અભિગમ સાથે પણ છે. વર્ષેદહાડે હજારોની સંખ્યામાં પેટન્ટ નોંધાવતા જાપાન, ચીન અને દક્ષિણ કોરિયા જેવા દેશોએ ભારતને બેઉ બાબતે ક્યાંય પાછળ રાખી દીધું તેનું આખરે કારણ શું ? મૂળ તપાસો તો છેક સ્કૂલના ક્લાસરૂમ સુધી નીકળે, જ્યાં વિદ્યાર્થીઓમાં નાની વયે વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે પ્રકારનું પ્રેક્ટિકલ એજ્યુકેશન મોડલ જાપાને, ચીને તેમજ દક્ષિણ કોરિયાએ વર્ષોથી અપનાવ્યું છે. બીજી તરફ આપણે હજી પણ માત્ર (અને માત્ર) પાઠ્યપુસ્તકિયા અભ્યાસક્રમને વળગી રહ્યા છીએ. વળી આપણે ત્યાં શિક્ષણનું એટલી હદે વ્યાપારીકરણ થયું છે કે શિક્ષણનું સ્તર ભયંકર રીતે કથળ્યું છે. એક ઉદાહરણ ઃ નવી દિલ્લીમાં ખાનગી શાળાઓના રાફડા સામે ‘ટક્કર’ ઝીલવા માટે ત્યાંની સરકારે જુલાઇ, ૨૦૧૫ સુધીમાં સરકારી શાળાઓમાં ૮,૦૦૦ નવા ક્લાસરૂમો તૈયાર કરવાનો હુકમ જારી કર્યો. 

નતીજારૂપે બન્યું એવું કે નવા ઓરડા બાંધવા જતાં શાળાઓમાં રમતનાં મેદાનો સંકોચાઇ ગયાં અગર તો સાવ નાબૂદ થઇ ગયાં. રમતગમત પણ અભ્યાસનો એક મહત્ત્વનો ભાગ છે. બાળકોમાં તેને કારણે ‘ફાઇટિંગ સ્પિરિટ’ કેળવાય છે, જે વખત જતાં નાના-મોટા પડકારો સામે લડી લેવામાં મદદરૂપ બને છે. સ્પષ્ટ વાત છે. પરંતુ માર્કલક્ષી શિક્ષણપ્રણાલીમાં પુસ્તકિયા જ્ઞાન સિવાયના ઇતરજ્ઞાનને અવકાશ નથી.

પરિણામ નજર સામે છે. નવી પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમની રુક્ષતાએ આપણે ત્યાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ/ R&Dનું ક્ષેત્ર સૂનું પાડી દીધું છે. ભારતમાં હાલ દર ૧૦,૦૦૦ વ્યક્તિએ ફક્ત ૪ જણા R&Dમાં રોકાયેલા છે. (અમેરિકાનો ફિગર ૭૯ છે; જાપાનનો ૪૭ છે). R&Dના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય જેમણે કર્યું છે તેવા ૫૦ દેશોના લિસ્ટમાં ભારતનું સ્થાન છેક ૩૮મું છે. અમેરિકા, જાપાન, ચીન અને દક્ષિણ કોરિયા તો ઠીક, ઇસ્તોનિયા, લક્ઝેમ્બર્ગ, માલ્ટા અને લિથુઆનિયા જેવા ચિલ્લર દેશો પણ ભારતથી આગળ નીકળી ગયા છે. જગતના પચાસ રચનાત્મક તથા પરિવર્તક અર્થતંત્રોમાં આપણે ૪૫મા ક્રમે ઊભા છીએ. આ હતાશાજનક ચિત્ર ભારતે બદલવું રહ્યું અને નવી પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે તેમજ R&Dના ક્ષેત્રે ભારતીય સંશોધકોને છૂટો દોર આપવા માટે અમેરિકા, જાપાન, ચીન અને દક્ષિણ કોરિયા જેવા દેશોની માફક માફકસરનું બજેટ ફાળવવું રહ્યું. આપણા સંશોધકો સંખ્યાબંધ પેટન્ટ નોંધાવે અને તે પેટન્ટના આધારે આપણે ત્યાં અવનવી ચીજવસ્તુઓ બને ત્યારે Make in Indiaનું સૂત્ર ખરા અર્થમાં સાકાર થયું ગણાય.

Saturday, April 2, 2016

ભગત‌સ‌િંહનો જાન લેવાની બ્ર‌િટ‌િશ સાજ‌િશનું સસ્પેન્સ ૮પ વર્ષે ખૂલે છે

પાકિસ્તાનની લાહોર હાઇ કોર્ટમાં એક નાટકીય અદાલતી ખટલો કેટલાક મહિનાઓથી ચાલી રહ્યો છે. લાંબી મુદત બાદ હમણાં ફરી તેના પર કાર્યવાહી શરૂ થઇ છે. કેસ નાટકીય એટલા માટે છે કે જેની સામે મંડાયો છે તે આરોપીની અદાલતમાં ક્યારેય હાજરી હોતી નથી. (આરોપીનું નામ : બ્રિટિશહિંદ સરકાર). કેસ જેને માટે લડાઇ રહ્યો છે તે વ્યક્તિ પણ અદાલતમાં ઉપસ્થિત રહેતી નથી. (વ્યક્તિનું નામ : ભગતસિંહ). આમ છતાં ઇમ્તિઆઝ રશીદ કુરેશી નામના બુઝુર્ગ પાકિસ્તાની વકીલ લાહોર કોર્ટમાં ભગતસિંહ મેમોરિઅલ ફાઉન્ડેશન વતી કેસ લડી રહ્યા છે. આ ફાઉન્ડેશને (૧૯૨૯ના અરસાની) બ્રિટિશહિંદ સરકાર સામે આરોપ મૂક્યો છે કે ભગતસિંહ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવાના પૂરતા તેમજ નક્કર પુરાવા ન હોવા છતાં તત્કાલીન સરકારે એ ક્રાંતિકારીને ફાંસીની સજા ફરમાવી દીધી હતી. આ સરાસર ગેરકાનૂની પગલું હતું, જે ભરવા બદલ  બ્રિટિશહિંદ સરકાર વતી વર્તમાન રાણી એલિઝાબેથે પાકિસ્તાનના તેમજ ભારતના લોકોની માફી માગવી જોઇએ. ભારતમાં વસતા ભગતસિંહના પરિવારને વળતરરૂપે અમુક રકમ પણ આપવી જોઇએ.

માર્ચ ૨૩, ૧૯૩૧ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની ક્રાંતિકારી ત્રિપૂટીએ લાહોરની જેલમાં ફાંસીનો ગાળિયો પહેરીને શહાદત વહોરી લીધી એ બનાવને આજે ૮૫ વર્ષ થયાં. હવે આટલાં વર્ષે ભગતસિંહનો કેસ લાહોરની અદાલતમાં ખૂલે અને ભગતસિંહ મેમોરિઅલ ફાઉન્ડેશન બ્રિટનની રાણી પાસે ‘સોરી !’ કહેવડાવવાનો આગ્રહ રાખે એ જરા અજુગતું લાગે, પણ આવી ક્ષમાયાચના બહુ આમ વાત છે. કેટલાંક વર્ષ પહેલાં જર્મનીના ચાન્સેલર પડોશી દેશ પોલેન્ડની મુલાકાતે ગયા ત્યારે એ દેશ પર બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન હિટલરે ગુજારેલા અત્યાચારો બદલ પોલેન્ડની પ્રજાની તેમણે જાહેરમાં માફી માગી હતી. આ બનાવના કેટલાક અરસા બાદ જાપાનના વડા પ્રધાને ચીનના પ્રવાસ દરમ્યાન પોતાના ભૂતકાલીન દુષ્કૃત્યો માટે ખેદ વ્યક્ત કર્યો હતો. (બીજા વિશ્વવિગ્રહ વખતે જાપાની લશ્કરે ચીનની પ્રજાનો સામૂહિક ખુરદો કાઢ્યો હતો અને તલવાર વડે અનેકનાં માથાં વાઢી નાખ્યાં હતાં. આ બનાવને દાયકાઓ વીતી ગયા, છતાં જાપાને પોતાની ભૂલ અંગે પસ્તાવો જાહેર ન કર્યો ત્યાં સુધી ચીને તેની સાથે રાજકીય સંબંધો સ્થાપ્યા નહિ). એ જ રીતે વીસમી સદીના આરંભે કોરિયા પર દમન કર્યા બદલ જાપાનના રાજકુમારે તેને કહેવું પડેલું કે ભૂતકાળમાં જે બન્યું તે બદલ અમે દિલગીર છીએ.


ઉપરોક્ત દાખલા જોતાં ભગતસિંહ મેમોરિઅલ ફાઉન્ડેશન બ્રિટિશ રાણી એલિઝાબેથ પાસે ‘સોરી!’ની અપેક્ષા રાખે તેમાં કંઇ ખોટું નથી. માગણી સકારણ છે--અને કારણ પાછું લોજિકલ છે. નવેમ્બર, ૨૦૧૫માં ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશને લાહોરના ઉચ્ચ ન્યાયાલયમાં ભગતસિંહની નિર્દોષતા અંગેનો કેસ દાખલ કર્યો ત્યાર પછીની કાનૂની જાંચપડતાલમાં લાહોર પુલીસને એ FIR/ First Information Report હાથ લાગી છે જેના આધારે બ્રિટિશહિંદની તત્કાલીન સરકારે ભગતસિંહને મોતની સજા ફરમાવી હતી. લાહોરના અનારકલી પુલીસ સ્ટેશનમાં દર્જ થયેલી અને ઊર્દૂમાં લખાયેલી FIR ની તારીખ ડિસેમ્બર ૧૭, ૧૯૨૯ની છે. સમય સાંજનો ૪:૩૦નો છે. FIR માં લખ્યા મુજબ ‘બે અજાણ્યા શખ્સોએ’ લાહોરના આસિસ્ટન્ટ પુલીસ સુપ્રિન્ટેન્ડન્ટ જે. પી. સાઉન્ડર્સ પર ગોળીબાર કર્યો હતો. ‘બે અજાણ્યા શખ્સ’ એટલે કોણ તેનો ફોડ તત્કાલીન લાહોર પુલીસે તેની FIR માં પાડ્યો નથી. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવનો તો નામોલ્લેખ સુદ્ધાં નથી. તો પછી એ ત્રિપૂટીની ધરપકડ બ્રિટિશહિંદની સરકારે શેના આધારે કરી ? કાનૂની કાર્યવાહી FIR માં લખેલી માહિતીના આધારે ચાલે, જ્યારે અહીં તો FIR માં કોઇ ઠોસ માહિતી જ નથી. તત્કાલીન ગોરી સરકારે છતાં પણ ત્રણેય ક્રાંતિવીરો સામે અદાલતી કેસ ચલાવી તેમને મૃત્યુદંડની સજા ફરમાવી દીધી. બસ, એ જ મુદ્દે લાહોર હાઇકોર્ટના વકીલ ઇમ્તિઆઝ રશીદ કુરેશી અને ભગતસિંહ મેમોરિઅલ ફાઉન્ડેશનના સંચાલકો બ્રિટિશ સરકારની સામે પડ્યા છે. હવે તેમની એ લડતમાં સુખદેવનાં, રાજગુરુનાં તેમજ ભગતસિંહનાં ભારતવાસી પરિવારજનો પણ જોડાયાં છે, માટે લડતમાં જરા ગરમી આવી છે. લડતનો સુખદ આડફાયદો એ કે લાહોર ખાતે ૮૫ વર્ષથી ગુપ્ત પડેલી ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ કેસની ૧૬૪ સરકારી ફાઇલો પહેલી વાર દિવસનો પ્રકાશ જોવા પામી છે. પરિણામે હજી કેટલાંક સ્ફોટક સત્યો બહાર આવે તેમ છે.

દુનિયાના અનેક દેશોને વર્ષો સુધી ગુલામીના સકંજામાં જકડી રાખનાર બ્રિટને પોતાનાં દુષ્કૃત્યો બદલ એકેય દેશની આજ દિન સુધી માફી માગી નથી. હવે રહી રહીને તે વાલિયામાંથી વાલ્મિકી થાય એ આશા વધુ પડતી છે. આમ છતાં લાહોરના ન્યાયાલયમાં ઇમ્તિઆઝ રશીદ કુરેશીની લડત ચાલુ રહે એ સારું છે. ઇતિહાસનું તે બહાને ફેરમૂલ્યાંકન થઇ રહ્યું છે.